મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ (Shivrajpur beach) માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા 1 પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે દ્વારકાધિશ મંદિરમાં અર્ચન-દર્શન કર્યા બાદ શિવરાજપૂર બીચ પહોચ્યા હતા.

Gujarat CM Bhupendra Patel inspected various tourism and tourist facility at Shivrajpur Beach
મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ

આ પણ વાંચો: e-FIR: ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

પ્રવાસન વિભાગ દ્વારા શિવરાજપૂર બીચ (Shivrajpur beach) ખાતે બે ફેઇઝમાં  અંદાજે રૂપિયા 135 કરોડના કામો સાથે આ પ્રોજેક્ટસ હાથ ધરાઇ રહ્યા છે. તેમણે શિવરાજપૂર ખાતે અંદાજે રૂ. ર૩.૪૩ કરોડના ખર્ચે ફેઇઝ-૧ અંતર્ગત અરાઇવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઇલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. 

પ્રવાસન સચિવ શ્રી હારિત શુકલાએ આ તકે મુખ્યમંત્રીશ્રીને શિવરાજપૂર ડેવલપમેન્ટની વિગતો આપતાં કહ્યું કે, ફેઇઝ-૧ ના કામો પૈકી પ૬ ટકા કામો પૂર્ણ થઇ ગયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો વેળાસર પૂર્ણ કરી પ્રવાસીઓને પુરતી સુવિધા મળી રહે તે માટેના પ્રેરક સૂચનો કર્યા હતા. શિવરાજપૂર ખાતે ફેઇઝ-ર માં ૧૭ જેટલા વિવિધ ટુરિસ્ટ ફેસેલીટીઝના રૂપિયા 71.80 કરોડની કિંમતના કામોની વિગતો પણ પ્રવાસન સચિવે મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે હાઇ-વે થી શિવરાજપૂર પહોચવા માટેના રોડની માર્ગ-મકાન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરી પણ નિહાળી હતી. પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે ૪૦ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું ૪૯ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.

મુખ્યમંત્રીશ્રીની આ નિરીક્ષણ મુલાકાત દરમ્યાન અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.